Hiral's Blog

August 29, 2023

Meet Mr. Present

Filed under: Uncategorized — hirals @ 1:06 pm
Tags:

When you wake up and smile,

Tell your day, you are so beautiful, new, and fresh. Nice to meet you.

Your day will respond to you with more magical moments.

It is as simple as ‘If you meet person X but you are kept on thinking about person Y or Z’, then how the person X will feel?

Person X is always with you. He brings ever new and fresh every moment with him. weather you like it or not? Sad, Happy, Joyful, tearful, stressful is the label we give. Mr. Present has always so much to offer in ever fresh and new moment. Next time Meet Mr. Present with smile and tell ‘I am with you’. It will be magical.

If my most moments are cheerful, joyful then the secret is meeting and greeting my present moment, else high chances are I might fall in a trap of meeting my past or future and ignoring my present. I don’t like Mr. Present to feel offended. and you?

#Present #Positive

July 2, 2022

હું એટલે

કોઈ નજીકની વ્યક્તિ વગર કારણે મારી સાથે ગેરવર્તણૂક કરે ત્યારે હું જેટલી બને તેટલી સહજતાથી એને માફી આપી દઉં છું.
ક્યારેક એ શાંત થાય પછી એને સમજાવવાનો પ્રયત્ન કરું અને એને ના સમજવું હોય તો હું સહજતાથી સ્વીકારી લઉં છું.
કારણકે
સૌ પ્રથમ તો મને ખબર છે કે જયારે પણ હું બહુ દુ:ખી, બહુ સંવેદનશીલ હોઉં ત્યારે મેં ના વિચારવાનું વિચાર્યું છે. ના બોલવાનું બોલ્યું છે.


અને મેં પોતાનો સ્વીકાર કર્યો છે. હા, એકની એક ભૂલ ફરીથી ના થાય એની હું ખાસ કાળજી કરું છું. બીજા મારી જેમ પશ્ચાતાપ કરે કે સોરી ફીલ કરે એ જરૂરી નથી.

હું આવી ક્ષણોમાં પોતાની પાસે બેસી જાઉં. વિચારું કે હું એટલે?

હું એટલે – ખળખળ વહેતી નદી.
જીવન નદી ની જેમ વહેતુ રાખી શકવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે. ખળખળ વહીને આગળ વધ્યા કરવું.
નવા રસ્તા કંડારવા અને નવી જગ્યાએ હર્યું-ભર્યું કરવું, બીજા મારી જેમ નદી થઈને મારી સાથે વહે તે બિલકુલ જરૂરી નથી, હું તો જે ખેતરમાંથી પસાર થાઉં ત્યાં હરિયાળી કરી દઉં.


બસ વહ્યા કરવું, નવું શીખ્યા કરવું, આગળ વધ્યા કરવું, પોતાની શકિતઓનો નિરંતર વિકાસ કર્યા કરવો એ જ એક માત્ર મારા જીવનનું ધ્યેય છે. પાછલું યાદ કરવું નહિ ને આગળ ખાડી આવે કે ટેકરો , ખુલ્લું મેદાન આવે કે ખેતર, મન મૂકીને બસ ખળખળ વહ્યા કરવું ને આગળ વધ્યા કરવું.

હું એટલે – પારસમણિ .

નાનપણમાં સાંભળેલું કે વાંચેલું, કે પારસમણિ જેવા થવું. જે અડે તે સોનુ બની જાય. સામેના પાત્રની તાકાત જે હોય તે પણ મારી સાથે જો એને નજીકનો સબંધ હોય તો એનું મૂલ્ય વધી જાય. એ સોના જેવું કિંમતી બની જાય. જે મને જાકારો આપે ત્યાં તો આમ પણ નદીની જેમ ખાડા – ટેકરા પરથી વહીને પણ આગળ નીકળી જવું. એને સમજાય કે ના સમજાય , નજીકની દરેક વ્યક્તિના જીવનને હર્યા-ભર્યા કરવાનો દિલથી પ્રયત્ન કર્યો છે એ વાતની હંમેશા ખુશી છે.

હું એટલે – પાવરહાઉસ.

પાવર ઈલિક્ટ્રોનીક્સમાં ભણેલું, પાવર હાઉસની કેપેસીટી અને જાતજાતની ટેક્નિકથી મોટા કારખાના હોય કે રેસિડેન્શિયલ એરિયા, બધાને વીજળી પહોંચાડવી. જેનું પણ મારી સાથે જોડાણ હોય તે દરેક જીવના જીવનમાં મારાથી અજવાળું જ પથરાય એની પુરી કાળજી આજીવન કરી છે.

અને જયારે કોઈ નજીકની વ્યક્તિ વિનય વિવેક ચુકે ત્યારે તો અચૂક એને મનથી શક્તિઓ મોકલાવું એનું મન અજવાળાથી ભરી જાય અને એ દુઃખી ર્હદય સુખ તરફ વળે એવી પ્રાર્થના કરું. જે પોતે બીજો રસ્તો કંડારે કે મારા અંતરના તારને કાપીને બીજા પાવર હાઉસ પાસે જાય તો જરાય ગભરાવવું નહિ.
ઝળહળતા રહેવું. ખળખળ વહેતા રહેવું. પોતાની શકિતઓના વિકાસમાં બસ લાગેલા રહેવું.

ગમે તેવું કોઈનું કીધેલું, આટલું પોતાના વિષે વિચારું એટલે આપોઆપ ખરી પડે. દરેક જણ માટે સદાય અંતરમાં લાગણીના તાર ઝણઝણે છે. અંતરથી દરેક જીવ માટે પ્રાર્થના અને શુભ ભાવ જ નીકળે છે. પરિસ્થિતિ જે પણ હોય, પણ મારો અંતરનો ભાવ દરેકને મારી સાથે મિત્ર ભાવે જોડી રાખે છે. દુશ્મનું પણ મન જીતી લઈએ એવી ખુમારી અને ખુશી, એટલે હું. પાનખર પછી વસંતની જેમ ખીલ્યા કરતી, ગઈકાલ કરતા વધુ સારી, વધુ સમજુ, વધુ જવાબદારીપૂર્વક વધુ સ્પષ્ટ વિચારતી હું. હું એટલે કશું જ નહિ અને હું એટલે બધાની સેવક.

મને ગર્વ છે કે મારા જીવનમાં એવી એક પણ વ્યક્તિ નથી જેને જોઈને હું દિલથી સ્મિત ના કરી શકું. પરમાત્માની મારી પાર અસીમ કૃપા અને વડીલોના ખોબલે ને ખોબલે આશીર્વાદ મને મળ્યા છે. હું મારા જવનમાં આવેલી દરેક વ્યક્તિની દિલથી આભારી છું.

March 1, 2022

ભૂલ એટલે

ભૂલ સરસ શબ્દ છે.

જ્યારે કોઈ ભૂલ થાય એટલે આપણે તરત માફી માંગી લેતા હોઈએ છીએ. અને આપણે ફરી આવી ભૂલ ના થાય તે માટે સંકલ્પ કરીએ છીએ.

હવે આપણે ભૂલને ભૂલવાની હોય છે.

પરિવારજનમાં પણ જયારે કોઈની ભૂલ થાય ત્યારે આપણે એને માફ કરીને પછી એની ભૂલને ભૂલવાની હોય છે.

જો આપણે કોઈની ભૂલને યાદ અપાવીને એને નીચું જોવાપણું કરીએ તો આપણે પોતાની લીટી મોટી બતાવવા બીજાની લીટી કાપવાની આદતવાળા અજ્ઞાન માનવી છીએ અને આમ કરવાથી જે એનર્જી વર્તુળ આપણે પોતાની આસપાસ ઉભું કરીએ છીએ તે સરવાળે આપણને જ નુકશાન કરે છે.

ભૂલ એટલે મિસ્ટેક

ભૂલ એટલે ફરગેટ.

October 29, 2021

તમને કેટલા માર્ક્સ મળે?

જાણીતા લેખિકા નીલમ દોશીએ પૂછેલો એક સવાલ..જવાબ પૂરી પ્રામાણિતથી.

ભગવાન દરેકને ૧૦૦ માર્કસ નાં ૨ પ્રશ્નો પૂછે છે.

જેનો ‘હા’ કે ‘ના’ માં ઉત્તર આપવાનો હોય છે !

(૧) પૃથ્વી પર તને સુખ મળ્યું ? {૧ માર્ક}

(૨) તારાં લીધે પૃથ્વી પર કોઈને સુખ મળ્યું ? {૯૯ માર્ક}

My Answer

સવાલ બહુ વેધક અને સરસ છે. કુદરતે જો ૧૦૦૦ જણને સુખી કરવાની શક્તિ અને તક આપી હોય પણ અજ્ઞાનનતાએ કરીને દસેકને સુખી કર્યા હોય તો કેટલા માર્ક્સ મળે?

મારું માનવું છે કે આપણે બધા આવું કરીએ છીએ અને દસેકને સુખી કર્યાથી સંતોષ લઈએ છીએ. અને કદાચ મોટે ભાગે નેગેટિવ માર્ક્સમાં જ હોઈએ છીએ.

એક રોટલી જેની પાસે હોય અને એ બીજાને જેને ભૂખ લાગી છે તેને વગર માંગે અડધી રોટલી ખવડાવે
એને જ ૯૯ માર્ક્સ મળે.

બાકી જેની પાસે બધા સુખ -સગવડ હોય અને બીજાનું દુ:ખ સમજમાં પણ ના આવતું હોય એવા અંધ અને બહેરા આપણે મોટે ભાગે હોઈએ છીએ.

ક્યારેક વચ્ચે વચ્ચે જાગીને એકાદ જણને દુ:ખ ના થાય એમ કાળજી કરી લેતા હોઈશું અને એટલે માણસ બનવાના પ્રયાસમાં આપણે બધા એક સરખી મહેનત કરી રહ્યા છીએ.

પ્રામાણિકતાથી કહું તો
જે કોઈને દુ:ખ ના થાય એવા પ્રયત્નોમાં જીવે છે તેને કોઈ દુ:ખી કરી શકાતું નથી
અને આપણે ક્યારેય કોઈને સુખી કરી શકતા નથી. આપણે માત્ર કોઈનું દુ:ખ ઓછું થાય એવા પ્રયત્નો માત્ર કરી શકીએ.

સૂરજના તેજ સેમ ઝળહળવાનું ભૂલીને
અમે કોડિયું થઇ હરખાઈ રહ્યા. – હિરલ

October 18, 2021

My favourite Video clips: Motivation for life/relations

#SimpleLivingHighThinking #Love #Relation

August 19, 2021

ઇતિહાસની કથાઓ

એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!!અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો…!આ મેળામાં સ્ત્રીઓની વેશભૂષામાં અકબર જાતો હતો અને જે સ્ત્રી એને ગમી જાતી (એનામાં મોહી પડતો હતો) એને એની દાસીઓ છળકપટથી અકબર સન્મુખ લઈ જાતી હતી…!

એક દિવસ નૌરોઝના મેળામાં મહારાણા પ્રતાપની ભત્રીજી, અનુજ શક્તિસિંહની દીકરી મેળાની સજાવટ જોવા આવી. એનું નામ *બાઇસા કિરણદેવી* હતું અને એ બિકાનેરના પૃથ્વીરાજજી સાથે પરણી હતી. બાઇસા કિરણદેવીનાં રૂપ અને સૌંદર્ય જોતાં જ અકબર એનામાં એવો તો મોહી પડ્યો કે પોતાની જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. એણે કશું જ લાંબું-ટૂંકું વિચાર્યા વગર જ દાસીઓ મારફતે ઝનાના મહેલમાં બોલાવી લીધી..!

એ પછી બાઇસા કિરણદેવીને અકબરે સ્પર્શ કરવા પ્રયાસ કર્યો, પણ બાઇસા કિરણદેવી એની દાનત પામી ગઈ … કિરણદેવીએ એક પળનોયે વિલંબ કર્યા વગર જ પોતાની કેડ પર રાખેલ મ્યાનમાંથી તલવાર એક જ ઝાટકે બહાર ખેંચી કાઢી અને અકબરને જોરદાર લાત મારીને ભોં ભેગો કરી દીધો; એની છાતી ઉપર પગ દઈને તલવાર અકબરની ગરદન પર રાખી દીધી…!!અને કહ્યું,… નીચ…., …નરાધમ, તને ખબર નથી કે હું એ મહારાણા પ્રતાપની ભત્રીજી છું, કે… જેનાં નામ માત્રથી તારી ઊંઘ હરામ થઈ જાય છે…..!! બોલ, તારી અંતીમ ઇચ્છા શું છે..???અકબરનું લોહી સૂકાઈ ગયું…!

કદાપિ વિચાર્યું ય નહોતું કે કહેવાતો સમ્રાટ અકબર બાઇસા કિરણદેવી નામની સ્ત્રીનાં ચરણોમાં ધૂળ ચાટતો થઈ જાશે..!!!!!અકબર બોલ્યો : હું ઓળખવામાં માર ખાઈ ગયો છું…; દેવી, મને માફ કરી દો..!

ત્યારે બાઇસા કિરણદેવીએ કહ્યું : આજ પછી કોઇ દિવસ દિલ્હીમાં નૌરોઝ મેળો ભરવાનો નથી…!!અને તું કોઇ દિ’ કોઇ સ્ત્રીને હેરાન પરેશાન કરતો નહીં…!અકબરે બે હાથ જોડીને વચન આપ્યું કે આજ પછી કોઇ દિવસ નૌરોઝ મેળો નહીં ભરું!!!

તે દિવસથી કાયમ માટે દિલ્હીમાં નૌરોઝ મેળો ભરાતો બંધ થઈ ગયો!

ગિરધર આસિયા રચિત *सगत रासो* માં ૬૩૨માં પાનાં પર આ ઘટનાનું વર્ણન થયેલું છે.

બિકાનેર સંગ્રહાલયમાં લગાવેલાં એક ચિત્ર સાથે લખેલ દોહામાં આ ઘટના કહેવાઈ છે…*”किरण सिंहणी सी चढ़ी, उर पर खींच कटार..!**भीख मांगता प्राण की, अकबर हाथ पसार….!!

“*ભોં ભેગા કરેલા અકબરની છાતી ઉપર પગ રાખીને ઊભેલી વીરાંગના કિરણદેવીનું એ ચિત્ર આજે જયપુરનાં સંગ્રહાલયમાં સચવાયેલું જોવા મળે છે.આપણા આવા ગૌરવવંતા ઇતિહાસનાં પૃષ્ઠો પર સૂવર્ણાક્ષરે આલેખાયેલી ખમીરવંતી વીરાંગનાઓની, ખુમારી ભરી યશગાથાનો વ્યાપક/બહોળો પ્રચાર-પ્રસાર કરો અને ધર્મનાં રક્ષણ કાજે આવી વાર્તાઓ સહુને સંભળાવો.કોટી કોટી વંદન એ ક્ષત્રિયણીને.👏👏👏

August 9, 2021

જૈન ધર્મ – લે. ચંદ્રકાન્ત બક્ષી

જૈન ધર્મ વિજ્ઞાન અને તર્કના પાયા ઉપર ઊભો છે. એ કદાચ એક કારણ છે કે કાળના પ્રવાહો સામે એ આજ સુધી સ્વસ્થતાથી જીવી શક્યો છે અને જીવે છે

જૈનોની શાખા-પ્રશાખાઓ હિન્દુઓ જેવી નથી, પણ મુંબઈના કોઈપણ ગુજરાતી દૈનિક વર્તમાનપત્રની મૃત્યુનોંધો જોવાથી એનો થોડો ખ્યાલ આવી શકે છે. ઓસવાલ પોતાને ક્ષત્રિય કુળના ગણે છે. કચ્છમાં એમની ઘણી વસ્તી છે. જે ધર્મ વર્ણભેદના વિરોધરૂપે જન્મ્યો હતો. એમાં હવે પોતાના જ ભેદભાવ જન્મી ચૂક્યા છે અને એ સ્વાભાવિક છે. હિન્દુસ્તાનમાં શીખો અને ખ્રિસ્તીઓમાં પણ અસ્પૃશ્યો છે, પણ જૈનોમાં અસ્પૃશ્યો નથી એ એક બહુ મોટી વાત છે!

નવકારમંત્ર જૈન ધર્મના પાયામાં છે. નમસ્કાર મહામંત્રમાંથી નમઃકારમંત્ર બન્યો, એમાંથી ‘નવકારમંત્ર’ શબ્દ આવ્યો. આને નવના આંકડા સાથે સંબંધ નથી. ભમરામાંથી ‘ભંવરા’ કે કમલમાંથી ‘કંવલ’ની જેમ ‘મ’ અક્ષર ‘વ’માં કાળક્રમે બદલાઈ ગયો! આ ધર્મ ચોક્કસાઈ પર કેટલો ભાર મૂકે છે અને કેટલો તર્કશુદ્ધ છે એ માટે એક દૃષ્ટાંત જોવા જેવું છે. પ્રથમ પાંચ મંત્રો પછી આવે છે : ‘એસો પંચ નમુક્કારો, સવ્સ પાવપ્પાણાસણો’ અર્થાત્ આ પાંચ મંત્રો, સર્વે પાપોનો નાશ કરે છે. અહીં જે ‘પણાસણો’ શબ્દ છે એ સંસ્કૃત ‘પ્રનાશ’નું અર્ધમાગધી સ્વરૂપ છે. માત્ર પાપના નાશની વાત નથી, પણ પાપનો પ્રનાશ થાય છે. છાણાં બાળીને અને એની રાખ થઈ જાય એટલે કહેવાય કે છાણાંનો નાશ થયો, પણ એ રાખ જ્યારે ઊડી જાય ત્યારે કહી શકાય કે હવે છાણાંનો પ્રનાશ થયો! માત્ર પાપના નાશથી જ સંતોષ નથી, એની રાખ ઊડી જવી જોઈએ. વિચારોની આટલી શુદ્ધતા અને તર્ક પછીનો ધારદાર વિતર્ક એ જૈન ધર્મની ખાસિયત છે!

જૈનો કોઈ જાતિ કે પેટાજાતિ નથી પણ ધર્મપરાયણ પ્રજા છે. જૈન શબ્દ પણ પાટીદારની જેમ હોદ્દાવાચક કે નાગરની જેમ જાતિવાચક નથી, કોઈ સરકાર કે પ્રતિષ્ઠાને એમને આ નામ આપ્યું નથી, પણ પ્રજાએ પોતે પોતાના માટે આ નામ સ્વીકાર્યું છે. ધર્મ, કર્મ, માન્યતાઓ, ખાવા કે ન ખાવાના નિયમો, વ્યવહાર આદિમાં એમની પાસે હજારો વર્ષ જૂની પ્રણાલિકાઓ છે. એ કોઈ માતા કે ઈશ્વરમાં માનતા નથી, પણ તીર્થંકર, અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે ઊંચી અને ઊંચી આધ્યાત્મિક સ્થિતિઓની એમની પાસે એક ભૂમિકા છે. જ્યાં માણસ પોતે જ ઈન્દ્રિયદમન અને તપસ્યા કરીને મોટો બની શકે છે. જૈન ધર્મ વિજ્ઞાન અને તર્કના પાયા ઉપર ઊભો છે. એ કદાચ એક કારણ છે કે કાળના પ્રવાહો સામે એ આજ સુધી સ્વસ્થતાથી જીવી શક્યો છે અને જીવે છે.

જૈનોએ આપેલી પ્રતિભાઓની યાદી કરવી હોય તો આ જ કદનો બીજો એક લેખ ઓછો પડે! પણ થોડાં નામો એમની પ્રવૃત્તિઓની વિવિધતા સમજવા માટે ગણાવી શકાય. ધર્મની દુનિયામાં કેટલાંય મોટાં નામોનો ઈતિહાસ સાક્ષી છે. મધ્યયુગમાં હેમચંદ્રાચાર્યનું નામ સૂર્યની જેમ પ્રકાશે છે. અકબરના જમાનામાં હીરવિજયસૂરિને શાહી દરબારમાં આમંત્રણ મળ્યું હતું અને એમને ‘જગદ્દગુરુ’ની ઉપાધિ અપાઈ હતી. એમના પ્રયત્નોને કારણે અકબરે માંસાહારનો ત્યાગ કર્યો હતો. પછી તો કેટલાય વિચારકો અને વિદ્વાન સૂરીઓ આવતા ગયા. આપણા જમાનામાં શ્રીમદ્દ રાજચંદ્ર સુપ્રસિદ્ધ છે. ગાંધીજીને ખ્રિસ્તી થતાં અટકાવનાર શ્રીમદ્દ હતા. એવી પણ એક વાત છે. આજના ભારતના એક સુખ્યાત કે કુખ્યાત પણ અત્યંત મેઘાવી વિચારક પણ જૈન છે – આચાર્ય (હવે ભગવાન) રજનીશ! પણ એ મધ્ય પ્રદેશના છે. મધ્યયુગનું એક બહુ મોટું નામ આનંદધનજી! એમના સમયના મહાન નૈયાયિક યશોવિજયજી, આ સિવાય આપણા સમયમાં ‘પંજાબકેસરી’ કહેવાતા વલ્લભસૂરિ અને એમના પ્રતિસ્પર્ધી રામસૂરિ જૈનદર્શનના બે સ્થંભો સમાન હતા. આ સિવાય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા આત્મરામજી, કાશીવાળા વિજયધર્મસૂરિ અને પુણ્યવિજયજી, હમણાંના દિવસો તરફ આવીએ તો મુનિ સંતબાલ! અને એક જરા ચર્ચાસ્પદ અને ચટપટું નામ – મુનિ ચિત્રભાનુ, જે અમેરિકામાં જૈન ધર્મ ભણાવવા સિવાય પણ પ્રવૃત્તિઓ કરે છે! અને જૈનોના કાનજી સ્વામીને કોણ ઓળખતું નથી?

ઇતિહાસપ્રસિદ્ધ આબુનાં મંદિરો બનાવનારા મંત્રીઓ વિમલ શાહ અને વસ્તુપાલ-તેજપાળ તથા રાણા પ્રતાપના મુખ્ય મંત્રી ભામાશાહ જૈન હતા. ગુજરાતના ઈતિહાસના સુવર્ણયુગ જેવા સોલંકીકાળમાં જૈનોનું વર્ચસ્વ હતું. તત્કાલીન ગુજરાતી ઈતિહાસ પણ એમની પાસેથી જ મળે છે. ગુજરાતના એક પ્રખર વિદ્વાન પંડિત સુખલાલજી અંધ હતા, પણ એમના મુકાબલાની પ્રતિભા ભાગ્યે જ પેદા થઈ છે. જેમને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે એવા જૈન ભાષાશાસ્ત્રી પ્રબોધ પંડિત હતા.

કુંવરજી આણંદજી જૈન ધર્મના પ્રકાંડ શાસ્ત્રજ્ઞ હતા. એમના પુત્ર પરમાનંદજી કુંવરજી કાપડિયા ‘પ્રબુદ્ધ જીવન’ (પહેલાં ‘પ્રબુદ્ધ જૈન) સાથે સંકળાયેલા હતા, સમાજનેતા હતા. એમના જ પિતરાઈ મૂળ ભાવનગરના મોતીચંદ કાપડિયાએ મહાવીર જૈન વિદ્યાલયો સ્થાપ્યાં, જેને કારણે જૈન સમાજને પ્રથમ કક્ષાના પ્રોફેસરો, ડૉક્ટરો, અભ્યાસીઓ મળ્યા! ગઈ સદીમાં પ્રખ્યાત શેઠ મોતીચંદ ઉર્ફે મોતી શાહ થઈ ગયા જે લવજી વાડિયાના મુકાબલાના જહાજમાલિક હતા. દુનિયાભરમાં ધંધો કરતા તારાચંદ મોતીચંદ ચિનાઈ ચીની ભાષા ભણ્યા હતા, ચીનની મુસાફરી કરનારા પ્રથમ જૈન ગૃહસ્થ હતા અને જૈનોએ જેમને માટે ખરેખર ગર્વ લેવો જોઈએ એવો એક શાહ-સૌદાગર મર્દ ખેલાડી જે એ જમાનામાં કરોડો કમાયો, કરોડો ખોયા, મુંબઈનું આખું ‘રેક્લેમેશન‘ કર્યું. મુંબઈના રાજા, દુનિયાનાં રૂબજારોને ધ્રુજાવનારો સુરતનો જૈન સપૂત – પ્રેમચંદ રાયચંદ. મુંબઈએ અને કદાચ હિન્દુસ્તાને આવો શેરદિલ અને ભડવીર માણસ જોયો નથી. બહાર – ગેટ (બઝાર ગેટ)ના જૈન કુટુંબોને સામાયિક-પ્રતિક્રમણ કરવામાં સમય જોવાની તકલીફ પડે છે માટે માતા રાજબાઈએ એક ટાવર બાંધવાનું સૂચન કરતાં પ્રેમચંદ રાયચંદે મુંબઈનો વિશ્વવિખ્યાત રાજાબાઈ ટાવર બંધાવ્યો!

ગઈ સદીમાં સ્વામી વિવેકાનંદ ગયા હતા એ અમેરિકાની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જઈને વીરચંદ રાઘવજી ગાંધીએ વિદેશોમાં પ્રથમ વાર જૈન ધર્મ વિષે વ્યાખ્યાનો આપ્યાં હતાં. યુવાનીમાં અવસાન પામેલા એ પ્રખર જૈન વિદ્વાનને જૈનોએ જ્ઞાતિ બહાર મૂક્યા હતા! જૈનોમાં દાન અને ધર્મ વિદ્વત્તાની સાથે સાથે રહ્યાં છે. યશોદેવસૂરિ જૈન શિલ્પસ્થાપત્યના નિષ્ણાત અને તત્વજ્ઞ છે. વિજયધર્મસૂરિની પ્રેરણાથી મૂર્તિપૂજક સમાજમાં કરોડો રૂપિયાનાં દાનનાં કાર્યો થયાં છે. સુરતમાં બે કરોડને ખર્ચે મહાવીર હૉસ્પિટલ બનાવનાર દાનવીર જયંતીલાલ રતનચંદ શાહને કેમ ભૂલી શકાય? એક તદ્દન જુદાં ક્ષેત્રમાં એ જૈન મશહૂર થયા હતા – નથ્થુમંછા જાદુગર હતા!

અમદાવાદનાં વિખ્યાત જૈન પરિવારની વાત કર્યા વિના સૂચિ અધૂરી રહી જાય! મૂળ સ્થાપક શાંતિદાસ શેઠ, એમના જ પરિવારમાં એક પુત્રના વંશવૃક્ષમાં હેમાભાઈ અને એમના પુત્ર પ્રેમાભાઈ થયા. બીજી લાઈનમાં થયેલા લાલભાઈ અને એમના યશસ્વી પુત્ર (અને હવે સ્વર્ગસ્થ) કસ્તૂરભાઈને આખું ગુજરાત ઓળખે છે. જૈનમંદિરોની વ્યવસ્થા કરતી ‘આણંદજી-કલ્યાણજી’ની પેઢી (આ કોઈ વ્યક્તિઓ નથી, પણ આનંદ અને કલ્યાણ એવી ભાવનાઓ છે!)નો વહીવટ પણ લાલભાઈએ કર્યો હતો. હઠીસિંહ કેસરીસિંહ એ બીજો પરિવાર જેમનું હઠીસિંહ દેરું અમદાવાદનું એક દર્શનીય સ્થાન છે. એ પરિવારના રાજા હઠીસિંહ જવાહરલાલ નેહરુની બહેન કૃષ્ણાને પરણ્યા હતા! સારાભાઈ પરિવારે દેશને ઘણાં નામો આપ્યાં છે. આંબાલાલ સારાભાઈના કાકા ચીમનલાલ નગીનદાસનું સી.એન. વિદ્યાલય મશહૂર છે. એ જ કુટુંબમાં ઈંદુમતી ચીમનલાલ થયાં.

ભારતના વિરાટ ઉદ્યોગોમાંથી કેટલાક જૈન છે : વાલચંદ હીરાચંદ, સારાભાઈ, કસ્તૂરભાઈ લાલભાઈ, કામાણી, કિલાચંદ, ચંદેરિયા! ચંદેરિયા પરિવારના ઉદ્યોગો બત્રીસ દેશોમાં છે. ફીટટાઈટ બૉલ્ટ-નટ્સ કંપનીના ચેરમેન લાલદાસ જમનાદાસ વોરા અગાઉ મુંબઈના શેરબજારન પ્રમુખ રહી ચૂક્યા છે. મજાની વાત એ છે કે મુંબઈના ધનપતિઓને ધ્રુજાવનાર મજૂરનેતા આર.જે. મહેતા પણ પાલનપુરના લાખોપતિ જૈન ઝવેરી પરિવારના નબીરા છે! જૈનો ઉદ્યોગપતિઓની સાથે સાથે મજદૂરનેતા પણ પેદા કરી શકે છે!

જૈન સમાજનું એક પ્રતિષ્ઠિત નામ ચીમનલાલ ચકુભાઈ શાહ. તે મુંબઈ સરકારના સૉલિસિટર. લોકસભાના સભ્ય અને યુનોની મહાસમિતિમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય રહી ચૂક્યા છે. ડૉ. રમણલાલ ચી. શાહ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે અને મધ્યકાલીન જૈન સાહિત્ય તથા તત્વજ્ઞાનના તજજ્ઞ છે. શિક્ષણના ક્ષેત્રમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મધુરીબહેન શાહ ભારતભરમાં સુવિખ્યાત છે. મુંબઈના બેશુમાર ડૉક્ટરો જૈન છે. એક નામ ડૉ. કે.એન. કામદાર, જેમનું એશિયાના પ્રમુખ રેડિયોલૉજીસ્ટોમાં સ્થાન છે. બાલકૃષ્ણ દોશી ભારતના પ્રમુખ સ્થપતિઓમાં (આર્કિટેક્ટ) ગણાય છે અને અમદાવાદનાં કેટલાંય આધુનિક મકાનો એમના કસબની સાક્ષીરૂપે ઊભાં છે. ડૉ. વિક્રમ સારાભાઈ વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા અને એમના પરિચયની જરૂર નથી.

અર્થશાસ્ત્રી પ્રો. કે. ટી. શાહ લોકસભાના સભ્ય હતા અને રાષ્ટ્રપિતની ચૂંટણી માટે ઊભા રહ્યા હતા. વાડીલાલ ડગલી ‘કૉમર્સ’ પત્રિકાના સંપાદક છે. અર્થશાસ્ત્રી છે. ‘જન્મભૂમિ’ પત્રોના પ્રાણ જેવા સંપાદક અમૃતલાલ શેઠ જૈન હતા. સર્વ પ્રથમ ગુજરાતી ફિલ્મ સાપ્તાહિક ‘ચિત્રપટ’ શરૂ કરનાર નગીનલાલ શાહ, ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શાંતિલાલ શાહ, ‘જયહિંદ’વાળા બાબુભાઈ શાહ, 90 હજાર નકલોનો ફેલાવો ધરાવતા ‘ફૂલછાબ‘ દૈનિકના સંપાદક હરસુખ સાંગાણી આ બધા જ ગુજરાતના પત્રકારત્વ પર છવાયેલા છે. આજના ગુજરાતી વિવેચક-વિચારક અને ‘ગ્રંથ’ના તંત્રી યશવંત દોશી જૈન છે. રાજનીતિશાસ્ત્રના પંડિત ડૉ. રજની કોઠારી પણ જૈન છે અને સેક્સ વિજ્ઞાનના પંડિત ડૉ. પ્રકાશ કોઠારી પણ જૈન છે. આ દરેક પોતપોતાનાં ક્ષેત્રોમાં શિખર પર છે! સિનેમાની દુનિયામાં સરદાર ચંદુલાલ એક જ હતા! ફિલ્મવિતરકોમાં કપૂરચંદ પરિવારનો સિક્કો હતો. કલ્યાણજી અને આણંદજી સંગીતક્ષેત્રે સુપ્રસિદ્ધ છે. ફિલ્મ-ફાઈનાન્સમાં નામ કાઢનાર જી. એન. શાહ પણ જૈન છે. ગુજરાતી નાટકની દુનિયામાં જાનદાર કાન્તિ મડિયાના કદમ સાથે કદમ મિલાવીને ચાલનારા ઓછા છે. નાટ્યક્ષેત્રે લાલુ શાહ અને જગદીશ શાહ ગાજતાં નામો છે. નૃત્યની ફિલ્મોની મુખ્ય ગુજરાતી અભિનેત્રી રાગિણી જૈન છે. નૃત્યની ઝિલમિલ દુનિયામાં ઝવેરી બહેનોએ નામ રોશન કર્યું છે અને આજે મલ્લિકા સારાભાઈ પણ ટોચનું નામ છે. હિન્દુસ્તાનમાં જાદુની માયાજાળ કાન્તિલાલ ઉર્ફે કે.લાલે આવી પાથરી છે કે હવે એ આંતરરાષ્ટ્રીય બની ગઈ છે અને ક્રિકેટના રસિકોને ભારતીય ટેસ્ટ ટીમના સ્પીન બોલર દિલીપ (રસિકભાઈ) દોશીનો પરિચય આપવાનો રહેતો નથી.

સાહિત્યમાં જૈનોએ બહુ મોટાં નામો આપ્યાં છે : વાડીલાલ મોતીલાલ શાહ અને મોહનલાલ ચુનીલાલ ધામી, ચુનીલાલ વર્ધમાન શાહ અને જયભિખ્ખુ! આધુનિક ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ અને ગાંધીજીના શબ્દોમાં ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી જૈન હતા. એમના ભત્રીજા રમણીક મેઘાણીએ બંગાળી સાહિત્યની કૃતિઓના ઉત્તમ અનુવાદો ગુજરાતીને આપ્યા છે. કથાવાર્તામાં ટોચનાં નામો જૈન છે – ચુનીલાલ મડિયા અને ગુલાબદાસ બ્રોકર! લોકપ્રિય કથાકારોમાં રસિક મહેતા બહુ વંચાય છે અને ગઈ પેઢીનું એક નામ – મોહનલાલ મહેતા – સોપન!

ધર્મમાં કહ્યું છે કે કશાયનો વાસ ચાર જગ્યાએ છે : ક્રોધનો લલાટમાં, માનનો ગરદનમાં, માયાનો હૃદયમાં, લોભનો સર્વ અંગોમાં! કદાચ ‘મહાજાતિ’નો વાસ જૈનોમાં હશે.

  • ચંદ્રકાંત બક્ષી

April 14, 2021

ગુમાન!

Filed under: own creation,poem — hirals @ 3:49 pm

થોરને સ્વજનોનું વ્હાલ ને મિત્રોનો પ્રેમ ગુમાવ્યાની ફરિયાદ શી? જેને કાંટા સિવાય કશું ખબર જ નથી એને ગુલાબની તોલે હોવાનું ગુમાન!

ભજે ઇશ્વર જે દ્રારે દ્રારે એને સ્વજનના શબ્દોની ફરિયાદ શી? પથ્થરમાં પૂજે ભગવાન જે એને માણસની તોલે હોવાનું ગુમાન!  

વરસાદમાં નીકળ્યાને ભીંજાઇ ગયાની ફરિયાદ શી? નથી ખબર છત્રી અને રેઇનકોટ વિશે તેને પોતે ચતુર હોવાનું ગુમાન!  

ખીલવાની કળા જેને ખબર નથી તેને કાદવમાં હતા એની ફરિયાદ શી? કમળના રુપ રંગથી અજાણ એને પોતે તળાવની લીલ હોવાનું ગુમાન!

બગીચાના માળીને ફૂલ કરમાયાની કે પાનખરમાં ઠૂંઠા ઝાડની ફરિયાદ શી? કુદરતના ઋતુચક્રથી અજાણ એને ફૂલો ખીલવ્યાનું ગુમાન!  

હિરલ

April 1, 2021

હું કોણ?

હું આંબાની ડાળ, મારે ઝુકવું જ પડે,

નહિ તો મારી મીઠાશ કોઇ કામની નથી.

હું શીતળ ચાંદની, હું અંધારે જ અજવાળું,

નહિ તો મારી શીતળતા કોઇ કામની નથી.

હું સૂરજમુખીનું ફૂલ, ગરમીથી ના ડરું,

નહિ તો મારું બીજ કોઇ કામનું નથી.

હું ઉંચો પહાડ, વાવાઝોડામાં પણ સ્થિર,

નહિં તો મારી અડગતા કોઇ કામની નથી.

હું ખળખળ ઝરણું, ઉંચેથી પટકાઉં,

નહિં તો મારું પાણી કોઇ કામનું નથી.

હું વહેતી નદી, બધા ખાડા-ટેકરા ઓળંગું,

નહિં તો મારું વહેણ કોઇ કામનું નથી.

હું ઊંડો સાગર, જાતભાતની નદીઓ સમાવું,

નહિં તો મારી ગંભીરતા કોઇ કામની નથી.

હું આંબાની ડાળ, મારે ઝુકવું જ પડે,

નહિ તો મારી મીઠાશ કોઇ કામની નથી.

March 10, 2021

મન મંદિરના મોતી

રોવાવાળા રોતા રહેશે, દોષી જોવે દોષ બીજાના, કરે પંચાત દિવસ ને રાત, ક્યાં છે કોની ભૂલ? જે સરકી ગયું એ મૂઠ્ઠીમાં શોધે, ને પ્રેમના અભાવે નફરત પ્રસરે, ત્યાં કોઇની નથી ભૂલ.  

રાત કહે હું શીતળ,  દિવસ કહે હું અજવાળું, બારેમાસ રુતુ બદલાય,  એવી કુદરતની મહેર, પણ ઘરમાં કોઇનો બદલે મૂડ, ને પ્રેમના અભાવે નફરત પ્રસરે, ત્યાં કોઇની નથી ભૂલ.  

સૂરજમૂખી કહે હું સામનો કરીશ, કમળ કહે હું કાદવમાં ખીલીશ, ગુલાબ તો મહેકે કાંટાળી ડાળ, ફૂલ બન્યા તો ચૂસાવાથી ડરીને, પ્રેમના અભાવે નફરત પ્રસરે, ત્યાં કોઇની નથી ભૂલ.  

મનમંદિરનું ખાતર ન્યારું, વાવતી વખતે ધ્યાન ના રાખું, લણતી વખતે પાક ના સ્વીકારું, સાચા-ખોટાની કરું પંચાત, ને પ્રેમના અભાવે નફરત પ્રસરે, ત્યાં કોઇની નથી ભૂલ.  

હું છું ઝરણું, ખળખળ વહેતું, જો એક વાતને પકડી વાગોળું, કચરા કરતાં વધુ ગંધાતું, મારું મન જ્યારે મને પજવતું, ને પ્રેમના અભાવે નફરત પ્રસરે, ત્યાં કોઇની નથી ભૂલ.

Next Page »

Blog at WordPress.com.